Site icon Gujarati Khabar

‘શાળાના શિક્ષકો હવેથી ખાનગી ટ્યુશન નહીં આપી શકે,’ નિયમ ભંગ બદલ કડક પગલાં લેવા શિક્ષણ મંત્રીનો આદેશ

ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત થઇ છે. બાદ હવે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ‘શાળાના શિક્ષકો હવેથી ખાનગી ટ્યુશન આપી શકે નહીં’ તેનો સ્પષ્ટ આદેશ આપી દીધો છે. જો આ નિયમ ભંગ થતા કોઈ શિક્ષક પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ શિક્ષણ મંત્રીએ ચેતવણી આપી છે.

ગાંધીનગર: ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત થઇ છે. ‘શાળાના શિક્ષકો હવેથી ખાનગી ટ્યુશન આપી શકે નહીં’ — એવો સ્પષ્ટ સંદેશ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી વાલીઓ અને વાલી મંડળો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઇ શિક્ષણ મંત્રાલયે આ મુદ્દે નિવેદન આપ્યું છે.

શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “શાળાના શિક્ષકો માટે ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ છે અને જો કોઇ શિક્ષક આ નિયમના ભંગમાં ઝડપાશે તો તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે, ‘રાજ્ય સરકાર શાળાઓમાં ગુણવત્તા અને નિષ્ઠાપૂર્વક શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને એવી પ્રવૃત્તિઓ જે શિક્ષણની પ્રામાણિકતા પર સવાલ ઊભા કરે, તેને ઢીલી આપી શકાતી નથી.’

આ નિવેદનનો આધાર વાલીઓ દ્વારા કરવામાં આવેલી એવી અનેક ફરિયાદોમાં છે. જેમાં જણાવાયું હતું કે, ‘કેટલાક શિક્ષકો શાળામાં પૂરતું ધ્યાન આપતા નથી અને વિદ્યાર્થીને પોતાના ખાનગી ટ્યુશન ક્લાસમાં આવવા માટે દબાણ કરે છે.’ કેટલીક ફરિયાદોમાં તો એવું પણ જણાવાયું કે, ‘વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર પૂરતું સમજૂતીથી ન શીખવાડવામાં આવે અને પછી તેને ટ્યુશનમાં જોડાવા માટે બોલાવવામાં આવે છે.’

કાયદાકીય રીતે જોવામાં આવે તો ગુજરાત શિક્ષણ વિભાગના નિયમો મુજબ શાળાના સરકારી શિક્ષકો કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ખાનગી ટ્યુશન આપવી મંજૂર નથી. આ નિયમનો ભંગ ઇતિહાસમાં કેટલીકવાર થયો છે, પરંતુ આજનું નિવેદન તેને લઇ વધુ સ્પષ્ટ અને કડક અભિગમ દર્શાવે છે.

શિક્ષણ મંત્રીએ આ મામલે તપાસ કરવા પણ સૂચના આપી છે. દરેક જિલ્લા શિક્ષણાધિકારીને આ અંગે ચેતવણી આપી દેવાઈ છે કે તેઓ તેમના વિસ્તારની શાળાઓમાં આવા કેસો અંગે વોચ રાખે અને જ્યાં જરૂર પડે ત્યાં કાર્યવાહી કરે. સરકારની ઈચ્છા છે કે શિક્ષણ ક્ષેત્રે શિસ્ત જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે.

Exit mobile version