Trump Tariff Policy India, IPhones Exempt:સ્માર્ટફોન પર ટેરિફ અંગેનો નિર્ણય પછી; ત્યાં વેચાતા 78% iPhone ભારતમાં બનેલા

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહેરાત કરી છે, પરંતુ સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.

યુએસ વાણિજ્ય વિભાગ હાલમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ જેવા કેટલાક ક્ષેત્રોની તપાસ કરી રહ્યું છે. આ રિપોર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી, સ્માર્ટફોનને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવશે.

ભારત તાજેતરમાં ચીનને પાછળ છોડીને અમેરિકામાં સ્માર્ટફોનનો સૌથી મોટો નિકાસકાર બન્યો છે. આ વર્ષે એપ્રિલ-જૂનમાં અમેરિકામાં આયાત કરાયેલા સ્માર્ટફોનમાં ભારતનો હિસ્સો 44% હતો. તે જ સમયે, અમેરિકામાં વેચાતા 78% iPhone ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે.

દેશમાં સ્માર્ટફોન ઉત્પાદનમાં 240%નો વધારો થયો

અમેરિકામાં સ્માર્ટફોન નિકાસમાં વિયેતનામનો હિસ્સો ચીન કરતા 30% વધુ હતો. આ પહેલીવાર છે જ્યારે ભારતે ચીન કરતા અમેરિકામાં વધુ સ્માર્ટફોન મોકલ્યા છે. કેનાલિસના અહેવાલ મુજબ, ભારતમાં સ્માર્ટફોન ઉત્પાદનમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં 240%નો વધારો થયો છે.

અમેરિકામાં વેચાતા 78% આઇફોન ભારતમાં બનેલા

અમેરિકામાં વેચાતા 78% iPhone ભારતમાં બને છે. માર્કેટ રિસર્ચર કેનાલિસના મતે, 2025માં જાન્યુઆરીથી જૂન દરમિયાન ભારતમાં 23.9 મિલિયન (2 કરોડ 39 લાખ) iPhone બનાવવામાં આવ્યા હતા, જે ગયા વર્ષ કરતાં 53% વધુ છે.

રિસર્ચ ફર્મ સાયબરમીડિયા રિસર્ચ અનુસાર, ભારતમાંથી આઇફોન નિકાસ (ભારતથી વિદેશમાં મોકલવામાં આવેલા આઇફોન) પણ વધીને 22.88 મિલિયન (2 કરોડ 28 લાખ) યુનિટ થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં (જાન્યુઆરીથી જૂન) ભારતમાં આઇફોનનું ઉત્પાદન 15.05 મિલિયન (1 કરોડ 50 લાખ) હતું. એટલે કે, વાર્ષિક ધોરણે તેમાં 52%નો વધારો થયો છે.

વ્યવસાયની વાત કરીએ તો, 2025ના પહેલા છ મહિનામાં ભારતમાંથી લગભગ 1.94 લાખ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ આંકડો 1.26 લાખ કરોડ રૂપિયા હતો.

ટ્રમ્પે ભારતમાં આઇફોન ઉત્પાદન પર 25% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી

ડોનાલ્ડ ટ્રમ્પે 23 મેના રોજ કહ્યું હતું કે, અમેરિકામાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં પણ અમેરિકામાં થવું જોઈએ. તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું છે કે જો એપલ અમેરિકામાં આઇફોનનું ઉત્પાદન નહીં કરે તો કંપની પર ઓછામાં ઓછો 25% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું,

“મેં ઘણા સમય પહેલા એપલના ટિમ કૂકને જાણ કરી હતી કે અમેરિકામાં વેચાતા આઈફોનનું ઉત્પાદન ભારતમાં કે બીજે ક્યાંય નહીં, પણ અમેરિકામાં જ થવું જોઈએ. જો આવું ન થાય, તો એપલને ઓછામાં ઓછો 25% ટેરિફ ચૂકવવો પડશે.”

ટ્રમ્પ નથી ઇચ્છતા કે એપલના ઉત્પાદનો ભારતમાં બને

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઇચ્છતા કે એપલના ઉત્પાદનો ભારતમાં બને. ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું હતું કે, ભારતમાં ફેક્ટરીઓ સ્થાપવાની કોઈ જરૂર નથી. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે જો તમે ભારતની સંભાળ રાખવા માગતા હો, તો તમે ભારતમાં ઉત્પાદન કરી શકો છો, કારણ કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે. ભારતમાં વેચાણ કરવું ખૂબ મુશ્કેલ છે અને તેમણે અમને એક સોદો ઓફર કર્યો છે.

આ હેઠળ, તેઓ અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા તૈયાર નથી. મેં ટિમને કહ્યું, જુઓ, અમે વર્ષો સુધી ચીનમાં બનેલા તમારા બધા પ્રોજેક્ટ્સ સહન કર્યા, હવે તમારે અમેરિકામાં ઉત્પાદન કરવું પડશે, અમે નથી ઇચ્છતા કે તમે ભારતમાં ઉત્પાદન કરો. ભારત પોતાનું ધ્યાન રાખી શકે છે.

એપલ ભારત પર આટલું ધ્યાન કેમ કેન્દ્રિત કરે છે, 5 મુદ્દા
  • સપ્લાય ચેઇન વૈવિધ્યકરણ: એપલ ચીન પરની એની નિર્ભરતા ઘટાડવા માગે છે. ભૂ-રાજકીય તણાવ, વેપાર વિવાદ અને કોવિડ-19 લોકડાઉન જેવી સમસ્યાઓને કારણે કંપનીને લાગ્યું કે એક ક્ષેત્ર પર વધુપડતું નિર્ભર રહેવું યોગ્ય નથી. આ સંદર્ભમાં ભારત એપલ માટે ઓછા જોખમવાળો વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.
  • સરકારી પ્રોત્સાહનો: ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલ અને પ્રોડક્શન લિંક્ડ ઇનિશિયેટિવ (PLI) યોજનાઓ સ્થાનિક ઉત્પાદન વધારવા માટે કંપનીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ નીતિઓએ ફોક્સકોન અને ટાટા જેવા એપલના ભાગીદારોને ભારતમાં વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
  • વધતી જતી બજાર સંભાવના: ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્માર્ટફોન બજારોમાંનું એક છે. સ્થાનિક ઉત્પાદન એપલને આ માગને વધુ સારી રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે તેમજ તેનો બજારહિસ્સો વધારવામાં પણ મદદ કરે છે, જે હાલમાં લગભગ 6-7% છે.
  • નિકાસની તક: એપલ ભારતમાં બનેલા તેના 70% આઇફોનની નિકાસ કરે છે, જે ચીનની તુલનામાં ભારતના ઓછા આયાત ટેરિફનો લાભ આપે છે. 2024માં ભારતમાંથી આઇફોન નિકાસ $12.8 બિલિયન (લગભગ ₹1,09,655 કરોડ) સુધી પહોંચી ગઈ. આવનારા સમયમાં એમાં વધુ વધારો થવાની ધારણા છે.
  • કુશળ કાર્યબળ અને માળખાગત સુવિધાઓ: ભારતનું શ્રમબળ અનુભવની દૃષ્ટિએ ચીન કરતાં પાછળ છે, પરંતુ આમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે. ફોક્સકોન જેવા એપલના ભાગીદારો ઉત્પાદન જરૂરિયાતોને પહોંચી વળવા માટે કામદારોને તાલીમ આપી રહ્યા છે અને કર્ણાટકમાં $2.7 બિલિયન (₹23,139 કરોડ)ના પ્લાન્ટ જેવી સુવિધાઓનું વિસ્તરણ કરી રહ્યા છે.

Leave a Comment