IND Vs ENG Fifth Test:જાડેજા આ વખતે સસ્તામાં પેવેલિયન પરત ફર્યો; હવે કરુણ નાયર-જુરેલ પર મોટી જવાબદારી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી લંડનના ઓવલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે

આજે મેચનો પહેલો દિવસ છે અને ત્રીજો સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયા તરફથી કરુણ નાયર અને ધ્રુવ જુરેલ ક્રિઝ પર છે.

જોશ ટંગે સાઈ સુદર્શન (38 રન) અને રવીન્દ્ર જાડેજા (9 રન)ને વિકેટકીપર જેમી સ્મિથના હાથે કેચઆઉટ કરાવ્યો.

ગસ એટકિન્સને શુભમન ગિલ (21 રન)ને રનઆઉટ કર્યો. ક્રિસ વોક્સે કેએલ રાહુલ (14 રન)ને બોલ્ડ કર્યો. તો ગસ એટકિન્સને યશસ્વી જયસ્વાલ (2 રન)ને LBW આઉટ કર્યો.

રેકોર્ડ:
  • ભારતીય કેપ્ટન શુભમન ગિલે આ સિરીઝમાં 743 રન બનાવ્યા છે. તે એક સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. ગિલે સુનીલ ગાવસ્કર (732 રન)નો રેકોર્ડ તોડ્યો છે. જે ગાવસ્કરે 1978-79માં વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો હતો.
  • શુભમન ગિલ ઈંગ્લેન્ડમાં એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી કેપ્ટન બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સ (722 રન)નો રેકોર્ડ તોડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના આ ભૂતપૂર્વ કેપ્ટને 1966માં આ રેકોર્ડ બનાવ્યો હતો.
ટૉસ સંબંધિત ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ
  • ભારતીય ટીમ સતત 15મો ટૉસ હારી છે. જેમાં 2 T20, 8 ODI અને 5 ટેસ્ટનો સમાવેશ થાય છે.
  • ગિલ આ શ્રેણીમાં સતત પાંચમો ટૉસ હાર્યો છે. ઇંગ્લિશ કેપ્ટન ઓલી પોપે પહેલો ટૉસ જીત્યો.

ભારતે રવીન્દ્ર જાડેજાના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી. 40મી ઓવરના ત્રીજા બોલ પર જોશ ટંગે ગુડ લેન્થ આઉટસ્વિંગરનો બોલ ફેંક્યો. જાડેજા ડિફેન્ડ કરવા ગયો પણ કૉટ બિહાઇન્ડ આઉટ થયો. તેણે 9 રન બનાવ્યા. ટંગે સાઈ સુદર્શનને પણ વિકેટકીપર જેમી સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ભારતે 36મી ઓવરમાં ચોથી વિકેટ ગુમાવી દીધી. અહીં સાઈ સુદર્શન 38 રન બનાવીને આઉટ થયો. તેને જોશ ટંગે વિકેટકીપર જેમી સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો.

ઓવલ ટેસ્ટના પ્રથમ દાવની ત્રીજી ઓવરમાં ભારતે વિકેટ ગુમાવી. અહીં ઓપનર યશસ્વી જયસ્વાલ 2 રન બનાવીને આઉટ થયો. તેને ગસ એટકિન્સને LBW આઉટ કર્યો.

ગસ એટકિન્સનનો ફુલ લેન્થ બોલ જયસ્વાલના પેડ પર વાગ્યો. ફિલ્ડ અમ્પાયરે ઇંગ્લેન્ડની અપીલ ફગાવી દીધી. આવી સ્થિતિમાં, ઓલી પોપે DRS માંગ્યું અને વિકેટ મેળવી.

ઓવલની પીચમાં ઉછાળો આવે છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ સ્પિનરોને પણ મદદ મળવા લાગે છે. અહીં કાળજીપૂર્વક બેટિંગ કરનારા બેટર સરળતાથી રન બનાવી શકે છે. અત્યાર સુધીમાં અહીં 107 ટેસ્ટ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરતી ટીમે 40 અને પહેલા બોલિંગ કરતી ટીમે 30 મેચ જીતી છે. જ્યારે 37 મેચ ડ્રો પણ થઈ હતી.

Leave a Comment