ભારતમાં યુકેની કાર, કપડાં અને ફૂટવેર સસ્તાં થશે. આજે 24 જુલાઈના રોજ ભારત અને યુકેએ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. 2022થી વાટાઘાટો ચાલી રહી હતી. હવે ભારતનો 99% માલ યુકેમાં શૂન્ય ટેરિફ પર નિકાસ કરવામાં આવશે, જ્યારે યુકેનો 99% માલ 3% સરેરાશ ટેરિફ પર આયાત કરવામાં આવશે. આને કારણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 અબજ ડોલર થવાની ધારણા છે.
વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને બ્રિટિશ વેપારમંત્રી જોનાથન રેનોલ્ડ્સે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના યુકે સમકક્ષ કીર સ્ટારમરની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. આનાથી યુકેને પણ ફાયદો થશે. ભારત દ્વારા આયાતી વ્હિસ્કી પરનો ટેરિફ 150%થી ઘટાડીને 75% કરવામાં આવશે. કરારના દસમા વર્ષ સુધીમાં આ ટેરિફ પાછળથી 40% કરવામાં આવશે.
સવાલ અને જવાબમાં આ કરારના ફાયદાઓ સમજો:
સવાર 1: ભારતમાં કઈ વસ્તુઓ સસ્તી થશે?
જવાબ: યુકેથી આયાત થતી વસ્તુઓ પર સરેરાશ ટેરિફ 15%થી ઘટાડીને 3% કરવામાં આવશે. 10 વર્ષમાં 85% માલ સંપૂર્ણપણે ટેરિફ-મુક્ત થઈ જશે. આનાથી ઘણી વસ્તુઓ સસ્તી થશે:
વ્હિસ્કી અને જિન: યુકેથી આયાત થતી સ્કોચ વ્હિસ્કી અને જિન પર ભારતનો ટેરિફ 150%થી ઘટાડીને 75% કરવામાં આવશે. બાદમાં કરારના દસમા વર્ષ સુધીમાં એ ઘટાડીને 40% કરવામાં આવશે. ઉદાહરણ- 5000 રૂપિયાની સ્કોચ બોટલ 3500 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
લક્ઝરી કાર: યુકે કાર (જેમ કે જગુઆર લેન્ડ રોવર, રોલ્સ-રોયસ) પરના ટેરિફ ક્વોટા સિસ્ટમ હેઠળ 100%થી ઘટીને 10% થશે. આનાથી આ કાર 20-30% સસ્તી થઈ શકે છે.
ખાદ્ય અને પીણાં: યુકેથી આયાત થતા સૅલ્મોન, લેમ્બ, ચોકલેટ, બિસ્કિટ અને સોફ્ટ ડ્રિંક્સ પરના ટેરિફ ઘટાડવામાં આવશે. આનાથી આ ઉત્પાદનો સસ્તાં થશે.
કોસ્મેટિક્સ અને તબીબી ઉપકરણો: યુકે કોસ્મેટિક્સ, તબીબી ઉપકરણો અને એરોસ્પેસ ભાગો પર ઓછો ટેરિફ, આ વસ્તુઓ સસ્તી બનાવશે. ટેરિફ 15%થી ઘટીને 3% થશે.
સવાલ 2: ભારતના કયાં ક્ષેત્રોને ફાયદો થશે?
જવાબ: કાપડ, એન્જિનિયરિંગ, તબીબી અને રસાયણ જેવાં ક્ષેત્રોને ફાયદો થશે.
1. કાપડક્ષેત્ર
યુકેમાં ભારતીય કપડાં અને બેડશીટ અને પડદા જેવા હોમ ટેક્સટાઇલ પર 8-12% ટેક્સ હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. આનાથી બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની તુલનામાં આપણાં કપડાં સસ્તાં અને વધુ સ્પર્ધાત્મક બનશે. તિરુપુર, સુરત અને લુધિયાણા જેવાં નિકાસ કેન્દ્રો આગામી ત્રણ વર્ષમાં 40% સુધી વધી શકે છે.
2. ઘરેણાં અને ચામડાની વસ્તુઓ
ભારતથી યુકે જતા ઝવેરાત અને ચામડાની વસ્તુઓ, જેમ કે બેગ, જૂતાં પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નાના વ્યવસાયો (MSME) અને લક્ઝરી બ્રાન્ડ્સ માટે મોટો ફાયદો થશે. આ સાથે યુકે દ્વારા યુરોપમાં ભારતનું પ્રભુત્વ વધુ વધશે.
3. એન્જિનિયરિંગ સામાન અને ઓટો પાર્ટ્સ
યુકેએ ભારતીય મશીનરી, એન્જિનિયરિંગ ટૂલ્સ અને કારના ભાગો જેવા ઓટો પાર્ટ્સ પરના આયાત કર નાબૂદ કર્યા છે. આનાથી ભારત, યુકે અને યુરોપની ઔદ્યોગિક સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે. પુણે, ચેન્નઈ અને ગુડગાંવ જેવાં ઉત્પાદન કેન્દ્રોને ફાયદો થશે.
4. દવાઓ અને તબીબી ઉપકરણો
ભારતીય ફાર્મા કંપનીઓને યુકેમાં જિનેરિક દવાઓ માટે સરળ નોંધણી પ્રક્રિયા મળશે. આનાથી ભારતીય દવાઓ યુકે હેલ્થ સર્વિસ (NHS) સુધી પહોંચવામાં સરળતા રહેશે અને દવાઓને ઝડપથી મંજૂરી પણ મળશે.
6. ખાદ્ય પદાર્થો, ચા, મસાલા અને દરિયાઈ ઉત્પાદનો
બાસમતી ચોખા, ઝીંગા, પ્રીમિયમ ચા અને મસાલા જેવાં ઉત્પાદનો પર યુકે આયાત કર નાબૂદ કરવામાં આવશે. આનાથી આસામ, ગુજરાત, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારોના નિકાસ ઉદ્યોગને મોટો વેગ મળશે.
7. રસાયણો અને વિશેષ સામગ્રી
એગ્રોકેમિકલ્સ, પ્લાસ્ટિક અને સ્પેશિયાલિટી કેમિકલ્સ પર ટેક્સ ઘટાડવાથી ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાં મુખ્ય કેન્દ્રોમાંથી નિકાસને વેગ મળશે. આ સોદા હેઠળ ભારત 2030 સુધીમાં યુકેમાં તેની કેમિકલ નિકાસ બમણી કરવાનું લક્ષ્ય રાખે છે.
8. ગ્રીન એનર્જી અને ક્લીનટેક
આ કરાર સોલર, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહન (EV) ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત નવીનીકરણીય ઊર્જામાં સંયુક્ત સાહસો માટે માર્ગ મોકળો કરશે. યુકે ભારતના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં વધુ રોકાણ કરશે, જેનાથી નવી ટેકનોલોજીનો સહ-વિકાસ થશે.
સવાલ 3: આ સોદાથી ભારતના અર્થતંત્રને કેવી રીતે ફાયદો થશે?
જવાબ: FTA ભારતના અર્થતંત્ર માટે ઘણી રીતે ફાયદાકારક છે:
નિકાસમાં વધારો: 99% ભારતીય માલ યુકેમાં શૂન્ય ટેરિફ પર નિકાસ કરવામાં આવશે. આનાથી કાપડ, ચામડું, રત્નો અને ઝવેરાત, દરિયાઈ ઉત્પાદનો અને એન્જિનિયરિંગ માલ જેવા ક્ષેત્રોને ફાયદો થશે. 2030 સુધીમાં ભારતની યુકેમાં નિકાસ 29 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.
રોજગાર વધશે: કાપડ અને ચામડા જેવાં શ્રમ આધારિત ક્ષેત્રોમાં નવી નોકરીઓનું સર્જન થશે. કાપડક્ષેત્રમાં રોજગાર બમણું થઈ શકે છે.
MSMEને પ્રોત્સાહન: ભારતના 6 કરોડ MSMEને ફાયદો થશે. તેઓ ભારતની નિકાસમાં 40% ફાળો આપે છે. આ કરાર તેમને નવાં બજારો અને વધુ સારા માર્જિન આપશે.
રોકાણમાં વધારો: યુકેની કંપનીઓ ભારતમાં આઇટી, નાણાકીય સેવાઓ અને ગ્રીન ટેકનોલોજીમાં રોકાણ વધારશે. આનાથી ભારતનાં ઉત્પાદન અને સેવાક્ષેત્રો મજબૂત બનશે.
આર્થિક વૃદ્ધિ: આ કરાર 2030 સુધીમાં ભારત-યુકે વેપારમાં વાર્ષિક 15% વધારો કરશે. એ ભારતને એના $100 બિલિયનના વેપાર લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
સવાલ 4: આ કરાર ક્યારે અમલમાં આવશે?
જવાબ: આ કરાર 24 જુલાઈ 2025ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો, પરંતુ એને અમલમાં મૂકવામાં લગભગ એક વર્ષ લાગી શકે છે, કારણ કે ભારતના કેન્દ્રીય મંત્રીમંડળ અને યુકે સંસદની મંજૂરી જરૂરી છે. ભારતના કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે.
સવાલ 5: ભારત અને યુકે વચ્ચે કરાર અંગેની વાતચીત ક્યારે શરૂ થઈ?
જવાબ: ભારત અને યુકે વચ્ચે કરાર પર વાટાઘાટો 13 જાન્યુઆરી 2022ના રોજ શરૂ થઈ હતી, જે લગભગ 3.5 વર્ષ પછી પૂર્ણ થઈ હતી. 2014થી ભારતે મોરેશિયસ, યુએઈ, ઓસ્ટ્રેલિયા અને EFTA (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન) સાથે આવા 3 મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ભારત યુરોપિયન યુનિયન (EU) સાથે સમાન કરારો પર સક્રિયપણે વાટાઘાટો કરી રહ્યું છે.