ED Raids Anil Ambani Companies; SBI Declares Fraud

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત 35થી વધુ સ્થળો અને 50 કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. યસ બેંકમાંથી 3000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં આજે 24 જુલાઈના રોજ આ દરોડા પાડવામાં આવ્યા હતા અને દિલ્હી અને મુંબઈમાં પણ આ દરોડા પાડી કાર્યવાહી ચાલી રહી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા નોંધાયેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે.

આખો મામલો 5 સવાલ- જવાબમાં:

સવાલ 1: EDએ અનિલ અંબાણી સામે કાર્યવાહી કેમ કરી?

જવાબ: આ મામલો 2017 અને 2019ની વચ્ચે અનિલ અંબાણી સાથે જોડાયેલી રિલાયન્સ ગ્રુપ કંપનીઓને યસ બેંકમાંથી આપવામાં આવેલી લગભગ 3,000 કરોડ રૂપિયાની લોન સાથે સંબંધિત છે.

ED દ્વારા કરવામાં આવેલી શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોન કથિત રીતે નકલી કંપનીઓ અને જૂથની અન્ય સંસ્થાઓને ડાયવર્ટ કરવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે યસ બેંકના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપવામાં આવી હોઈ શકે છે.

સવાલ 2: ED તપાસમાં બીજું શું-શું સામે આવ્યું?

જવાબ: ED કહે છે કે આ એક “સુઆયોજિત” પ્લાન હતો જેના હેઠળ બેંકો, શેરધારકો, રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓને ખોટી માહિતી આપીને પૈસાની ઉચાપત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘણી ગેરરીતિઓ મળી આવી હતી, જેમ કે:

  • નબળી અથવા વેરિફિકેશન વીનાની કંપનીઓને લોન આપવી.
  • ઘણી કંપનીઓમાં એક જ ડિરેક્ટર અને સરનામાનો ઉપયોગ.
  • લોન સંબંધિત જરૂરી દસ્તાવેજોનો ન હોવા.
  • નકલી કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કરવા.
  • જૂનૂ લોનો ચૂકવવા માટે નવી લોન આપવાની પ્રક્રિયા (લોન એવરગ્રીનિંગ).

સવાલ 3: આ કેસમાં સીબીઆઈની ભૂમિકા શું છે?

જવાબ: EDની આ કાર્યવાહી CBI દ્વારા નોંધાયેલી બે FIR પર આધારિત છે, જેમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, SEBI, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (NFRA) જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીએ પણ તપાસને આગળ ધપાવી.

સવાલ 4: આ દરોડાની અનિલ અંબાણીની કંપનીઓ પર શું અસર પડી?

જવાબ: દરોડાના સમાચાર પછી, અનિલ અંબાણીની બે મોટી કંપનીઓ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરના શેર 5% સુધી ઘટ્યા છે.

સવાલ 5: અનિલ અંબાણીની કંપનીઓ સામે બીજા કયા આરોપો છે?

જવાબ: થોડા દિવસ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને “ફ્રોડ” જાહેર કર્યા હતા.

SBIનું કહેવું છે કે RCom એ બેંક પાસેથી લીધેલી 31,580 કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો. આમાંથી લગભગ 13,667 કરોડ રૂપિયા અન્ય કંપનીઓની લોન ચૂકવવામાં ખર્ચવામાં આવ્યા હતા. 12,692 કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

SBIએ એમ પણ કહ્યું કે અમે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)માં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયામાં છીએ. આ ઉપરાંત, અનિલ અંબાણી વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) મુંબઈમાં વ્યક્તિગત નાદારીની કાર્યવાહી પણ ચાલી રહી છે.

અનિલ 1983માં રિલાયન્સમાં જોડાયા, જૂન 2005માં ભાગ પડ્યા

મુકેશ અંબાણી 1981માં અને અનિલ અંબાણી 1983માં રિલાયન્સમાં જોડાયા હતા. ધીરુભાઈ અંબાણીનું જુલાઈ 2002માં નિધન થયું. તેઓ કોઈ વસિયત લખીને ગયા નહોતા. મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન બન્યા અને અનિલ અંબાણી મેનેજિંગ ડિરેક્ટર બન્યા.

નવેમ્બર 2004માં બે ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેનો વિવાદ પહેલીવાર સામે આવ્યો હતો. ધીરુભાઈ અંબાણીનાં પત્ની કોકિલાબેન પરિવારમાં ચાલી રહેલા આ વિવાદથી નારાજ હતાં, ત્યાર બાદ બિઝનેસનું વિભાજન થયું.

આ વિભાજન જૂન 2005માં થયું હતું, પરંતુ કયા ભાઈને કઈ કંપની મળશે એ નિર્ણય 2006 સુધી ચાલુ રહ્યો. ICICI બેંકના તત્કાલીન ચેરમેન વી.કે. કામથને પણ આ વિભાજનમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

ભાગ પડ્યા પછી મુકેશ અંબાણીના ભાગે પેટ્રોકેમિકલ્સ બિઝનેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન પેટ્રોલિયમ કેમિકલ્સ કોર્પ લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જેવી કંપનીઓ આવી હતી.

નાના ભાઈ અનિલ પાસે આરકોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સિસ જેવી કંપનીઓ હતી. આ પછી મુકેશના નેતૃત્વ હેઠળની કંપનીઓ સતત ગ્રો કરી રહી છે, જ્યારે અનિલના ભાગમાં આવેલી કંપનીઓની સ્થિતિ કથળી ગઈ છે.

 

Leave a Comment