બોલિવૂડની અપકમિંગ એક્શન-થ્રિલર ફિલ્મ ‘વોર 2’નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. ‘આવાં જવાં’ ગીતમાં હૃતિક રોશન અને કિયારા અડવાણીનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. અરિજિત સિંહ અને નિકિતા ગાંધીના અવાજમાં ગવાયેલું આ ગીત દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ‘વોર 2’ની હિરોઈનના ખાસ દિવસ એટલે કે કિયારા અડવાણીના બર્થ ડે પર ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.
કિયારા-હૃતિકની કેમેસ્ટ્રીનો જાદુ
‘વોર 2’નું ‘આવાં જવાં’ ગીત રોમેન્ટિક ટ્રેક છે. આ ગીતમાં કિયારા અડવાણી અને હૃતિક રોશનની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવી છે. ગીતમાં જોઈ શકાય છે કે બંને કલાકારો આ ક્ષણનો ખૂબ આનંદ માણી રહ્યા છે. સાથે જ ગીતમાં એક્ટ્રેસનો પહેલીવાર ઓનસ્ક્રિન બિકીની અવતાર પણ જોઈ શકાય છે. કિયારા-હૃતિકનો રોમેન્ટિક અંદાજ યુવાનોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અરિજિતનો અવાજ દિવાના કરી દેશે
‘આવાં જવાં’ ગીતની વાત કરીએ તો, તે અરિજિત સિંહ અને નિકિતા ગાંધી દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા છે. સંગીત પ્રીતમે આપ્યું છે. અરિજિતનો અવાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. કિયારા અડવાણીએ આ ગીત તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેની પોસ્ટ પર નેટીઝન્સ કોમેન્ટ કરી રહ્યા છે અને ગીતને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત, ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
ફેન્સ અયાન મુખર્જીની ‘વોર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં હૃતિક RAW એજન્ટ મેજર કબીર ધાલીવાલની ભૂમિકા ફરી ભજવતો જોવા મળે છે. આ ફિલ્મ NTRની હિન્દી સિનેમાની શરૂઆત છે. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ‘વોર 2’ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ છે, આ પહેલાં ‘એક થા ટાઇગર’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘વોર’, ‘પઠાન’ અને ‘ટાઇગર 3’ રિલીઝ થઈ ચૂકી છે. આ ફ્રેન્ચાઇઝીમાં આગામી ફિલ્મ ‘આલ્ફા’ પણ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં આલિયા ભટ્ટ અને શર્વરી લીડ ભૂમિકામાં છે.