સ્કોડા ઇન્ડિયા અને ફોક્સવેગન ઇન્ડિયાએ ટેકનિકલ ખામીને કારણે ભારતમાં ઉત્પાદિત 1,821 વાહનો પાછા ખેંચ્યા છે. ફ્રેન્ચ કાર નિર્માતા કંપની દ્વારા આ રિકોલમાં ડિસેમ્બર 2021થી મે 2025 વચ્ચે ઉત્પાદિત મોડેલોનો સમાવેશ થાય છે.
આ રિકોલમાં સ્કોડાના સ્લેવિયા, કુશક અને ક્યાલકના 860 વાહનો અને ફોક્સવેગનના વર્ચસ અને ટિગુનના 961 યુનિટનો સમાવેશ થાય છે. કંપનીઓએ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ને જણાવ્યું હતું કે- રિકોલ કરાયેલા વાહનોમાં પાછળના સીટ બેલ્ટમાં ખામીઓ મળી આવી છે.
પાછળના સીટ બેલ્ટમાં ખામી
રિકોલ ડોક્યુમેન્ટમાં, સ્કોડા અને ફોક્સવેગને જણાવ્યું હતું કે- જો કાર આગળથી અથડાય તો પાછળની સીટ બેલ્ટનું બકલ તૂટી શકે છે. આવા કિસ્સામાં, જમણી તરફનું સીટ બેલ્ટનું બકલ પાછળના સેન્ટર સીટ બેલ્ટ એસેમ્બલીના વેબિંગમાંથી બહાર નીકળી જોય છે. આનાથી મુસાફરોને ઈજા થવાનું જોખમ વધે છે.
સીટ બેલ્ટ બકલ લેચ પ્લેટ એ ધાતુની પ્લેટ છે જેનો ઉપયોગ કાર સીટ બેલ્ટના બકલ (ક્લિપ)ને જોડવા અને મજબૂતી માટે થાય છે. આ ક્લિપ સીટ અથવા કારની ફ્રેમને જોડે છે જેથી અકસ્માત દરમિયાન સીટ બેલ્ટ મજબૂતીથી કામ કરે અને મુસાફરને સુરક્ષિત રાખે છે. તેનું મુખ્ય કાર્ય સીટ બેલ્ટ સિસ્ટમને સ્થિર અને સલામત બનાવવાનું છે, જેનાથી અકસ્માતમાં ઈજા થવાનું જોખમ ઓછું રહે છે.
મે મહિનામાં પણ 47 હજારથી વધુ કાર રિકોલ કરવામાં આવી હતી
આ વર્ષે બંને ફ્રેન્ચ કાર ઉત્પાદકો દ્વારા આ બીજી વાર રિકોલ કરવામાં આવી છે. મે મહિનામાં, કંપનીઓએ સીટ બેલ્ટની સમાન સમસ્યાને કારણે 47,000થી વધુ વાહનો રિકોલ કરાયા હતા. આ રિકોલમાં 24 મે 2024 થી 1 એપ્રિલ 2025 વચ્ચે ઉત્પાદિત મોડેલોનો સમાવેશ થાય છે. આમાં સ્કોડાના સ્લેવિયા, કુશક અને કાયલકના 25,722 વાહનો અને ફોક્સવેગનના વર્ચસ અને ટિગુનના 21,513 યુનિટનો સમાવેશ થાય છે.
ગ્રાહક પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં
બંને કંપનીઓએ જણાવ્યું હતું કે સ્કોડા ઇન્ડિયા અને ફોક્સવેગન ઇન્ડિયાના સત્તાવાર વર્કશોપ આ મોડેલોના માલિકોનો સંપર્ક કરશે, જ્યાં ખામી દૂર કરવામાં આવશે. વાહન માલિકોને ખામીયુક્ત ભાગો બદલવા અંગે જાણ કરવામાં આવશે. ખામી સુધારવા અથવા ભાગો બદલવા માટે ગ્રાહક પાસેથી કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.
ગ્રાહકો તેમના સર્વિસ સેન્ટરનો સંપર્ક કરીને ચકાસી શકે છે કે તેમની કાર રિકોલનો ભાગ છે કે નહીં. આ ઉપરાંત, તમે વાહન ઓળખ નંબર (VIN) નો ઉપયોગ કરીને કંપનીની વેબસાઇટના રિકોલ પેજ પરથી પણ જાણી શકો છો. જોકે, કંપનીઓએ પુષ્ટિ કરી નથી કે ખામીયુક્ત પાછળના સીટ બેલ્ટને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં.
દેશમાં વાહન રિકોલના મોટા કેસો
- બલેનો અને વેગનઆર રિકોલ: જુલાઈ 2020માં, મારુતિએ વેગનઆર અને બલેનોના 1,34,885 યુનિટ પાછા મંગાવ્યા હતા. આ મોડલ્સ 15 નવેમ્બર, 2018 અને ઓક્ટોબર 15, 2019 વચ્ચે બનાવવામાં આવ્યા હતા. ફ્યુઅલ પંપમાં ખામી સર્જાતા કંપનીએ વાહનોને રિકોલ કર્યા હતા.
- મારુતિ Eeco રિકોલ: નવેમ્બર 2020 માં, કંપનીએ Eeco ના 40,453 યુનિટ પાછા બોલાવ્યા હતા. વાહનના હેડલેમ્પ પર સ્ટાન્ડર્ડ સિમ્બોલ ન હોવાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો હતો. રિકોલ 4 નવેમ્બર, 2019 અને ફેબ્રુઆરી 25, 2020 વચ્ચે ઉત્પાદિત Eecoને આવરી લે છે.
- મહિન્દ્રા પિકઅપ રિકોલ: 2021 માં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેના કોમર્શિયલ પિકઅપ વાહનોના 29,878 યૂનિટ પાછા બોલાવ્યા હતા. કંપનીએ કહ્યું હતું કે જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2021 વચ્ચે ઉત્પાદિત કેટલાક પીકઅપ વાહનોમાં ફ્લ્યૂડ પાઇપ બદલવાની જરૂર છે.
- મહિન્દ્રા થાર રિકોલ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફેબ્રુઆરી 2021માં તેની ઑફરોડ એસયુવી થારના ડીઝલ વેરિઅન્ટના 1577 યુનિટ રિકોલ કર્યા હતા. કંપનીએ કહ્યું હતું કે પ્લાન્ટના મશીનમાં ખામીને કારણે આ ભાગોને નુકસાન થયું છે. તમામ એકમોનું ઉત્પાદન 7 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર, 2020 વચ્ચે કરવામાં આવ્યું હતું.
- રોયલ એનફિલ્ડ રિકોલ: મે 2021માં, રોયલ એનફિલ્ડે શોર્ટ સર્કિટના ડરને કારણે બુલેટ 350, ક્લાસિક 350 અને મેટિયોર 350ના 2,36,966 યૂનિટ રિકોલ કર્યા હતા. આ તમામનું ઉત્પાદન ડિસેમ્બર 2020 અને એપ્રિલ 2021 વચ્ચે કરવામાં આવ્યું હતું.
રિકોલ શું છે અને તે શા માટે થાય છે?
જ્યારે કોઈ કંપની તેની વેચાયેલી પ્રોડક્ટને પરત બોલાવે છે, ત્યારે તેને રિકોલ કહેવામાં આવે છે. જ્યારે કંપનીના ઉત્પાદનમાં ખામી હોય ત્યારે તેને પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવે છે. રિકોલ પ્રક્રિયા દરમિયાન, તે ઉત્પાદનની ખામીને દૂર કરવા માંગે છે. જેથી ગ્રાહકને ભવિષ્યમાં પ્રોડક્ટને લઈને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
કંપની રિકોલ પર નિષ્ણાતની સલાહ
કારમાં ખામી અંગે, કંપનીએ સૌપ્રથમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ને ડેટા આપવો પડશે. આમાં તેમને જણાવવાનું હોય છે કે કારની ખરાબીને કારણે કેટલા ટકા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પછી SIAM મંજૂરી આપે છે. કંપની ફોલ્ટ રિપેર કરવા માટે સમય નક્કી કરે છે. જો ગ્રાહકની કાર તે શહેરની બહાર છે જ્યાંથી તેણે તેને ખરીદી છે, તો તે તે શહેરના નજીકના સર્વિસ સેન્ટર પર પણ તેને રિકોલ કરાવી શકે છે.